કોરોના પીડિત લોકો માટે મફત કોવીડ સેન્ટર ખોલી આ દાક્તરે કર્યું બી.એ.પી.એસ. ગુરુકુળનું નામ રોશન, જાણો તમે પણ આ ડોક્ટર વિશે…

Spread the love

મિત્રો, રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામા પોતાની મોટી હોસ્પિટલ ધરાવતા ડોકટર પંકજ કોટડિયા કોરોનાથી પીડિત લોકોની હાલત જોઇને ઊંઘી શકતા નહોતા. તેમની આંખ સામે નિરંતર આ લાચાર લોકોના ચહેરા દેખાતા હતા. તેમણે પોતાની આ મૂંઝવણ પોતાના મિત્રોને જણાવી અને રાત્રે જ બધાએ એકસાથે મળીને નક્કી કર્યુ કે, જસદણમા લોકો માટે વિનામૂલ્યે કોવિડ હોસ્પિટલ શરુ કરીએ અને જેટલા લોકોના જીવ બચાવી શકાય એટલા લોકોના જીવ બચાવીએ.

બીજા દિવસે જ બધા મિત્રોએ ભેગા થઈને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાની મુલાકાત લીધી અને વિનામૂલ્યે કોવીડ હોસ્પિટલ શરુ કરવાની વાત કરી. આ વાત પર ભરતભાઈએ જણાવ્યુ કે, તમે ખુબ જ સારો વિચાર લઈને આવ્યા છો, આ વિચારને બને એટલી જલ્દી અમલમા મુકવો. તમારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી એની વ્યવસ્થા હું કરીશ તમે ફક્ત હોસ્પિટલની વ્યવસ્થા સંભાળજો. સરકારી વહીવટીતંત્રની જે મદદની જરૂર પડશે એ બધી જ મદદ મેળવવાની વ્યવસ્થા પણ હુ જ સંભાળીશ.

વધારે પડતો સમય બગાડવો પોસાય એમ જ નહોતો એટલે તે જ દિવસે સાંજ સુધીમા ડોક્ટર કોટડિયાની ટીમે હોસ્પિટલ માટેની જગ્યા પણ શોધી કાઢી. આ કાર્ય માટે દેવશીભાઈ છાયાણી નામના ભાઈએ પોતાનુ એક વર્ષથી બંધ પડેલુ કારખાનુ હોસ્પિટલ માટે આપ્યુ અને આ કારખાનાની બાજુમા જ આવેલી જયતારામ બાપુની જગ્યાના સંચાલકોએ જગ્યા આપવા સંમતી આપી.

આ પછીના જ દિવસથી ડોકટર કોટડીયાના બધા જ મિત્રોએ પોતપોતાની જવાબદારીઓ સંભાળી લીધી અને કામે લાગી ગયા. કોઈ વ્યક્તિએ દવાની વ્યવસ્થા કરી તો કોઈ વ્યક્તિએ બાટલાની વ્યવસ્થા કરી તો કોઈએ વાલ્વ એકત્રિત કર્યા. આ સિવાય અન્ય લોકોએ મંડપ, ગાદલા, બેડ, પંખા, લાઈટ વગેરે જેવી વસ્તુઓની વ્યવસ્થા સંભાળી. આ સિવાયના બીજા સેવાભાવી કાર્યકરો પણ એક વર્ષથી બંધ પડેલ કારખાનુ સાફ કરવામાં લાગી ગયા.

રાત-દિવસ એક કરીને ફક્ત ૪૮ કલાકમા જ ૧૦૦ જેટલા બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી. અહી ૬૦ જેટલા બેડ ઓક્સિજન સુવિધા સાથેના હતા. જો ડોક્ટર પંકજ ઈચ્છે તો પોતાની ૧૦૦ બેડની ખાનગી હોસ્પિટલ પણ ઉભી કરી શકે તેમ હતા પરંતુ, જસદણ પંથકના ગરીબ અને લાચાર લોકોના જીવ બચાવવા આ ડોકટરે કોઈપણ જાતના ચાર્જ વગર જ હોસ્પિટલ ચાલુ કરવાનો સંકલ્પ લીધો હતો, જે આજે પૂર્ણ થયો.

અહી આ હોસ્પીટલમા ૫૦ વર્ષથી ઉપરના લોકો અને ૫૦ વર્ષથી નીચેના લોકો માટે બે અલગ વિભાગ રાખવામા આવ્યા છે. આ અંગે ડો.કોટડીયાએ કાર્યકરો અને વ્યવસ્થાપકોની મિટિંગમાં જણાવ્યુ કે, ‘મારા પિતાની ઉમર ૬૧ વર્ષની છે એને તેમને જેવી તકલીફ હોય એવી જ તકલીફ વાળો કોઈ યુવાન આવે અને આપણી પાસે એક જ જગ્યા હોય તો એ પેલા યુવાનને આપજો, જેથી એની તાત્કાલિક સારવાર થાય. મારા પિતા જેવા વડીલની સારવારનો આપણે બીજો વિકલ્પ પણ શોધીશુ.

ડોકટર પંકજ કોટડિયા પોતાની હોસ્પિટલ એના જુનિયર ડોકટરને સોંપીને ત્યારબાદ સેવાકીય કાર્ય કરવા માટે આ કોવીડ હોસ્પિટલમા જ આવી ગયા છે. પોતાના ડોકટર મિત્રોની સાથે રાત-દિવસ જોયા વિના જ તે આ કોરોના પીડિત લોકોની સારવારમા લાગી ગયા છે. અહી અત્યાર સુધીમા ૭૦ થી વધુ લોકોના જીવ બચાવી લેવામા આવ્યા છે. આ સિવાય બીજા ૧૫૦ થી વધુ લોકો સાજા થઈને ઘરે પણ જતા રહ્યા અને હાલમા ૯૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

તેમની સાથે થયેલી ટેલીફોનીક ચર્ચામા જાણવા મળ્યું કે, ‘સાહેબ, આ સેવા શરૂ કર્યા પછી હવે ઊંઘ સારી આવે છે અને હૃદયની બળતરા પણ ઓછી થઈ ગઈ છે. હુ ગોંડલ બી.એ.પી.એસ. ગુરુકુળનો વિધાર્થી છુ અને જરૂરિયાતના સમયે લોકોની સેવા કરવાના સંસ્કાર પણ મને ત્યાંથી જ મળ્યા છે. આમ, તેમણે પોતાના આ નેક કાર્ય દ્વારા ગુરુકુળનુ નામ પણ રોશન કર્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *