આફ્રિકન દેશ ઘાનામાં બની દુઃખદ ઘટના, વિસ્ફોટક ભરેલા ટ્રક માં થયો બ્લાસ્ટ, 500 ઇમારતો થઈ ધરાશાયી, 17 થી વધુ ના મોત અને 59 લોકો થયા ઘાયલ

આફ્રિકન દેશ ઘાનામાં માઈનિંગ વિસ્ફોટકો લઈ જતી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો છે. જેના કારણે 17 લોકોના મોત થયા છે અને 59 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે. એપિએટ હોસ્પિટલના ડૉક્ટર જોસેફ ડાર્કોએ જણાવ્યું કે ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. પાંચ વર્ષના બાળકની હાલત નાજુક છે.

રાજધાની અકરાથી લગભગ 300 કિમી પશ્ચિમમાં બોગોસોના માઇનિંગ ટાઉન નજીક, એપિએટમાં આ અકસ્માત થયો હતો. માઇનિંગ વિસ્ફોટકો વહન કરતી એક ટ્રક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી, જેના કારણે વિસ્ફોટ થયો હતો.

બ્લાસ્ટના કારણે સેંકડો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ઇમરજન્સી સેવાઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ પ્રયાસો ચાલુ છે. ધરાશાયી થયેલા મકાનો અને ઈમારતોમાં ઘણા લોકો ફસાયેલા જોવા મળ્યા હતા, જેમાંથી તમામને બહાર કાઢવામાં આવ્યા છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સેજી સાજી અમાદેઓનુએ વિસ્ફોટથી થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બ્લાસ્ટને કારણે 500થી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.

અત્યાર સુધી જે તસવીરો સામે આવી છે તેમાં મૃતદેહો અને ઘાયલોને જમીન પર પડેલા જોઈ શકાય છે. આ વિસ્તારની લગભગ તમામ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.

Leave a Comment