મોટા રાહતના સમાચાર, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને યુધ્ધ વિરામ બાબતે મળશે

રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને મળશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના કાર્યાલયે ટેલિગ્રામ એપ પર જણાવ્યું હતું કે બેલારુસિયન સરહદ પર એક અસ્પષ્ટ સ્થાન પર બંને પક્ષો મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે બેઠક માટે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી.

યુક્રેનના અધિકારીઓએ અગાઉ આ ઓફરને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે મંત્રણા બેલારુસ કરતાં બીજે થવી જોઈએ કારણ કે રશિયાએ બેલારુસમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે.

આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન પરમાણુ ડિટરન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો. તેમણે નાટોમાં સામેલ દેશોના ‘આક્રમક નિવેદનો’ના જવાબમાં આ આદેશ આપ્યો છે.

યુક્રેન સાથે મંત્રણા માટે તૈયાર થયેલા રશિયન રાષ્ટ્રપતિએ શનિવારે એક એવી શરત મૂકી હતી, જેના કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.

પુતિને કહ્યું હતું કે જો યુદ્ધ રોકવું છે અને વાટાઘાટોના ટેબલ પર આવવું છે, તો યુક્રેનની વર્તમાન સરકારને હટાવી દેવી જોઈએ અને સેનાને પોતાના હાથમાં લેવી પડશે. પુતિને કહ્યું કે અમે યુક્રેનમાં આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ.

તેણે યુક્રેનની સરકારને ડ્રગ્સની આદી અને નાઝી તરફી ગણાવી હતી. સેનાને અપીલ કરતા તેમણે કહ્યું કે વર્તમાન સરકારને હટાવીને સેનાએ દેશની કમાન સંભાળવી જોઈએ.

યુક્રેન પર રશિયન હુમલાથી નારાજ યુરોપિયન યુનિયન (EU)એ રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. FAP અનુસાર, યુરોપમાં પુતિન સાથે સંબંધિત સંપત્તિઓ ફ્રીઝ કરી શકાય છે.

લક્ઝમબર્ગના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે 27-સભ્ય યુરોપિયન યુનિયન પુતિન અને રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવની સંપત્તિને ફ્રીઝ કરવાની ખૂબ નજીક છે.

Leave a Comment