સુરતની અલગ અલગ માર્કેટમાં મહિલાઓના પર્સ તેમજ રોકડ રકમની ચોરી કરતી એક મહિલા ગેંગને પોલીસે રંગે હાથ પકડી પાડી

સુરત શહેરના જુદા જુદા માર્કેટ વિસ્તારમાં ફરીને મહિલાઓના પર્સમાં બ્લેડ મારીને તેમાંથી ચોરી કરતી એક મહિલા ગેંગને ખટોદરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ચોરી કરનારી મહિલા ગેંગની આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત બ્લેડ કબ્જે કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અન્ય ગુના ઉકેલાવાની શકયતા પણ રહેલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના જુદા જુદા માર્કેટ વિસ્તારોમાં મહિલાઓના પર્સ તેમજ તેમની પાસે રહેલ થેલીમાંથી રોકડ રકમ તેમજ કિંમતી સામાનની ચોરી થવાની ફરિયાદો સતત વધી રહી હતી. ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી હતી.

જે ઘટનાની ફરિયાદના આધારે પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ખટોદરા પોલીસને બાતમી હતી કે, મહિલાઓની એક ગેંગ જુદા જુદા માર્કેટ વિસ્તારમાં ફરીને મહિલાઓના પર્સ તેમજ તેમની પાસે રહેલ થેલા પર ધારદાર બ્લેડ વડે કાપ મૂકીને તેમાંથી રોકડ રકમ સહિત કિંમતી સામાનની ચોરી કરી રહી છે.

અને હાલ ભટારના આઝાદ નગર ગાર્ડન પાસે આ મહિલા ગેંગ ઉભી છે. જેથી ખટોદરા પોલીસની ટીમે બાતમીના આધારે તાત્કાલિક અસરથી આઝાદનગર ગરદન ખાતે ખાસ વોચ ગોઠવીને ચોરી કરતી મહિલા ગેંગને રંગે હાથ ઝડપી પાડી હતી.

નોંધનીય છે કે, ખટોદરા પોલીસે ચોરી કરનારી મહિલા ગેંગની આરોપી પૂનમ રાહુલ ઉર્ફે અર્જુન ચંદન, અર્ચના બકીયા ચંદન તેમજ છૈયા ઉર્ફે સિયાની ધરપકડ કરીને રોકડ રકમ સહિત ધારદાર બ્લેડ પણ કબજે કરી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધૂ પુછપરછ હાથ ધરી હતી.

Leave a Comment