સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાની ઘટના અનેક લોકોના માનસ પર ઊંડી અસર કરી ગઈ છે, હજી સુધી એ ઘટના ચર્ચાય છે. ત્યારે નર્મદા જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકરે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉદ્દેશીને મોટી વાત કરી હતી.
તેમણે આ અંગે ઊંડા આત્મચિંતનની જરૂરિયાત હોવાનું જણાવતા કહ્યું હતું કે, આ માત્ર ફક્ત કોઈ એક વ્યક્તિનો દોષ નથી, પરંતુ સમગ્ર સમાજનો દોષ છે. બાળકોને ઘરમાં ‘ આઈ લવ યુ ‘ સાંભળવા નથી મળતું, એટલે બહાર પ્રેમ માટે એ ફાંફા મારે છે.
અત્યારે લગભગ બે વર્ષ પછી તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓફલાઈન- પ્રત્યક્ષ પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારે સ્વાભાવિક રીતે જ આ પરીક્ષાનો કાલ્પનિક ભય બધા જ વિદ્યાર્થીઓને સતાવી રહ્યો હોય છે.
ત્યારે આ ભયને દૂર કરવા અને નિર્ભય અને નિશ્ચિત રૂપે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે, તે માટે નર્મદા ના જિલ્લાભરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અર્થે રાજપીપલાની નવદુર્ગા હાઈસ્કૂલ દ્વારા એક અનોખો પ્રયત્ન હાથ કરવામાં આવ્યો હતો.
શાળા દ્વારા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલના માર્ગદર્શન થી વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો પ્રયત્ન કરાયો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ધાર્મિક અને આધ્યાત્મિક વિચારો ને સાંકળીને ખૂબ જ સરળ ભાષામાં ‘પરીક્ષાનો કાલ્પનિક ડર’ વિષય પર માહિતી આપવામાં આવી હતી.
આ વ્યાખ્યાનમાં ગામના વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વક્તા સંજય રાવલે સુરતમાં બનેલ ગ્રીષ્મા મર્ડર ઘટના પર પણ વાત કરી હતી.
સુરતમાં બનેલી ઘટના અંગે ઊંડા આત્મચિંતનની જરૂરિયાત છે. તેવુ કહેતા તેમણે જણાવ્યું હતું કે, ” આ માત્ર એક વ્યક્તિનો દોષ નથી. પણ સમગ્ર સમાજનો દોષ છે.
બાળકોને ઘરમાં ‘આઈ લવ યુ’ સાંભળવા નથી મળતું. એટલે બહાર પ્રેમ માટે ફાંફા મારે છે, અને પરિણામ સુરતની ઘટના જેવું મળૅ છે. એટલે ઘરમાં જ માતાપિતાએ સંતાનને પ્રેમ આપવો જોઈએ.
સંજય રાવલે આ વિશે આગળ જણાવતા કહ્યું હતું કે, આજની એજ્યુકેશન પોલિસીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો વાલીઓ બધા તણાવમાં છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે કમ્યુનિકેશન ઓછુ થઈ રહ્યુ છે.
જો એ ઠીક થાય તો અનેક સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. રહી વાત દીકરીનો, તો એક શબ્દ છે કેરેક્ટર. તમને બધુ કરવાની છૂટ હોય અને ન કરો એ કેરેક્ટર છે. આ બાબત બાળકોને સમજાવી શક્યા નથી. માટે દોષ આખા સમાજનો છે.
આજે આપણે બાળકોને જે સ્વતંત્રતા આપી છે. તે ઘાતક બની છે. દોષ આપવાને બદલે સમાજે ચિંતન કરવાની જરૂર છે. હવે વાલીઓ જાગે, અને દીકરા દીકરીઓને પ્રેમથી આઈલવયુ કહે.
જેથી તેઓ બહાર કહેવા અને સાંભળવા નહિ જાય. ઘરમાં પ્રેમ નથી મળતો માટે બહાર અનઓથેન્ટિક પ્રેમ મેળવવા જાય છે. તેથી ત્યાં એનું પરિણામ આવું જ આવે છે.
સ્પીકરની આ વાત વાલીઓને પણ સારી રીતે સમજાઇ ગઈ હતી. જેથી સમગ્ર હોલમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો.
તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ હતું કે, ઈશ્વર કે અલ્લાહને પસ્તાવો થવા ન દેતા કે, આને માણસ બનાવીને ભૂલ કરી છે. મનુષ્ય થવા પર ગર્વ કરો. બધા મુકેશ અંબાણી ન બની શકતા હોય.