રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને આર્થિક રીતે નબળા બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1 માં પ્રવેશ આપીને શિક્ષણ આપવાની સરકારી જોગવાઈનો આર્થિક રીતે સક્ષમ અને શ્રીમંત કહી શકાય એવા અનેક લોકો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે.
જેના કારણે ખરા અર્થમાં જીવનને શિક્ષણની જરૂર છે તેવા અનેક ગરીબો શિક્ષણ પ્રાપ્ત કરવાથી અને આ યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી જાય છે.
આ વર્ષે જિલ્લામાં 10 હજાર અરજીઓ કરાઇ હતી. પરંતુ રાજકોટ શહેરમાં અંદાજે 3500 અને ગ્રામ્ય વિસ્તારમાં 2288 જેટલા વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે.
પરંતુ જેમને લાભ મળ્યો છે તેઓ સાચા અર્થમાં એને યોગ્ય છે ! એટલે કે પ્રવેશ લેનારા ગરીબ છે કે કેમ એની ચકાસણી કરવા માટે રાજકોટ શહેરના અમુક વાલીઓના આર્થિક સ્થિતિ, ઘર, વ્યવસાય અને વાહનો અંગેની તપાસ કરાઇ હતી.
જેમાં જાણવા મળ્યું કે RTE હેઠળ પ્રવેશ લેનારા બાળકોના વાલીઓ 80 લાખના બંગલામાં રહે છે. તો કોઈ 50 લાખથી પણ વધુ કિંમતના ફ્લેટમાં, ઘણા બધા વાલીઓ આર્થિક રીતે સધ્ધર છે.
એટલું જ નહિ પરંતુ ઘણા બધા વાલીઓ પાસે લક્ઝુરિયસ કાર પણ છે. એ ઉપરાંત પણ એમણે પોતાના બાળકોનું એડમિશન RTE હેઠળ કરાવ્યું છે.
સરકારી યોજના RTE ના નિયમ હેઠળ આ કેટેગરીના બાળકો જ પ્રવેશ મેળવવાને પાત્ર.
– ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 1.20 લાખ, જ્યારે શહેરી વિસ્તાર માટે 1.50 લાખ હોવી જોઈએ.
– બાળકોના પિતા – વાલીનોઆવકનો દાખલો ફરજિયાત.
– અનાથ અને સાર – સંભાળ અને સુરક્ષાની જરૂરિયાત વાળા બાળક.
– બી.પી.એલ.ની યાદીમાં સમાવેશ થયેલ હોય એ જ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે છે.
– મંદબુદ્ધિ, સેરેબ્રલ ધરાવતા બાળકો.
– માતા-પિતાનું એકમાત્ર સંતાન હોય.
– બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, બાળ ગ્રુહના બાળકો.
– ફરજ સમયે શહીદ થયેલા લશ્કરી કે અર્ધ લશ્કરી અથવા પોલીસ દળના જવાન ના સંતાનો.
– રાજ્ય સરકાર હેઠળ આંગણવાડી માં અભ્યાસ કરતા બાળકો.
– SC,ST,SEBC, જનરલ અને અન્ય BPL કુટુંબના બાળકો.
– સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત હોય એવા, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો.
વાલી સામે થઈ શકે ફરિયાદ અને પ્રવેશ રદ – RTE ની પ્રક્રિયા ઓનલાઈન થઈ છે માટે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના આધારે પ્રવેશ અપાયો છે. પ્રવેશ લેનાર બાળકો ના ઘરે જઈને તપાસ કરવાની કોઇ જોગવાઈ નથી.
પરંતુ ઘણા શ્રીમંત વાલીઓએ પણ આ યોજના હેઠળ પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.
જો વાલીએ રજૂ કરેલા ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ ખોટા હોવાનું બહાર આવશે તો બાળકનો પ્રવેશ રદ થશે. એટલે કે ચોક્કસ નિયત ફી ભરીને અભ્યાસ કરવો પડશે. સાથે જ વાલીઓ સામે છેતરપિંડીની ફોજદારી પણ નોંધાઈ શકે છે.
સંચાલકો દ્વારા આ વાલીઓ વિશે DEOને જાણ કરવામાં આવે – ખરેખર તો વાલીઓએ પોતે જ પ્રામાણિકતા અને મૂલ્યો જાળવવા જોઈએ. ગરીબ બાળકો નો હક છીનવવો જોઈએ નહીં. ઉપરાંત સરકાર દ્વારા પણ RTE ની પ્રવેશ પ્રક્રિયા પારદર્શક અને ટટસ્થ થવી જોઈએ.
પ્રવેશ લેનાર બાળકોની ઘરની સ્થિતિ વાલીઓનો વ્યવસાય વગેરે પણ તપાસવું જોઈએ. ઉપરાંત શાળાના સંચાલકોના ધ્યાન માં આવા બાળકો આવે તો DEO ને કે શિક્ષણ વિભાગને તરત જાણ કરવી જોઈએ.