રશિયા તરફથી થઈ શકે છે યુધ્ધ, વ્હાઇટ હાઉસએ આપી ચેતવણી, સેના-મિસાઈલ કરવામાં આવી તૈયાર

યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચેનો વિવાદ ઝડપથી વધી રહ્યો છે . હવે અમેરિકાએ ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે.

વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘સંજોગો ખતરનાક છે’ પરંતુ મોસ્કો માટે વાતચીતના દરવાજા ખુલ્લા છે.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવ સાથે વાત કરી છે અને બંને નેતાઓ આ અઠવાડિયે જીનીવામાં મળવા માટે સંમત થયા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ બગડતી પરિસ્થિતિ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જવાબદાર ઠેરવ્યા છે.

સાકીએ કહ્યું છે કે પુતિને યુક્રેન સાથેની રશિયન સરહદ પર 100,000 સૈનિકો તૈનાત કર્યા છે, જેના કારણે આ સંકટ ખૂબ વધી ગયું છે. સાકીએ કહ્યું, ‘રશિયા સૈન્ય અભ્યાસ માટે યુક્રેનની પૂર્વી સરહદો પર પોતાના સૈનિકોને મોકલી રહ્યું છે.આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. હવે અમે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ જ્યારે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે.

યુક્રેનિયન અધિકારીઓએ ચેતવણી આપી છે કે રશિયા તેના સાથી બેલારુસના પ્રદેશ સહિત વિવિધ દિશાઓથી હુમલો કરી શકે છે. આ જમાવટથી યુક્રેનની નજીક હાજર 100,000 સૈનિકોની તાકાતમાં વધારો થશે, જેમાં ટેન્ક અને અન્ય ભારે હથિયારો છે.

Leave a Comment