હિંદુ સંસ્કૃતિમાં દિવાળીને સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી આ તહેવાર ચાલે છે. જેની દરેક ઘરમાં ઉલ્લાસ અને આનંદથી ઉજવણી કરવામાં આવે છે. આમ તો દિવાળીના તહેવારો અગિયારસથી ચાલુ થઈને દેવ દિવાળી સુધી ચાલે છે પરંતુ તેમાં આ પાંચ દિવસોનું સૌથી વધારે મહત્વ છે.
સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવું વર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષ દરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.
નવું વર્ષ દરેકના ઘરમાં નવી આશાઓ લઈને આવે છે. નવા વર્ષના દિવસે ગુજરાતીઓ એકબીજાના ઘરે જાય છે. એકબીજાને આગામી વર્ષ મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવે છે. વડીલોને પગે લાગે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. નવા વર્ષના દિવસે ગુજરાતી પરિવારોમાં ખાસ રોનક જોવા મળે છે.
નવા વર્ષને ઘણા લોકો બેસતું વર્ષ પણ કહે છે. નવા વર્ષે મહેમાનોનું સ્વાગત કરવા માટે પહેલેથી જ ખાસ તૈયારીઓ કરી લેવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં જાત જાતના નાસ્તા બનાવવામાં આવે છે.
આ દિવસે દરેક લોકોના ઘરો માં મુખવાસ, મિઠાઈ, ચોકલેટ આવે છે. ઘરે આવતા મહેમાનોને નાસ્તો પીરસવામાં આવે છે. સાથે મિઠાઈ અને જાત-જાતના મુખવાસ પણ એમની સામે રાખવામાં આવે છે. ઘરે આવેલા અતિથીને આગ્રહ કરીને જમાડવામાં આવે છે.
નવા વર્ષનું ભોજન છે ખાસ
કહેવાય છે કે વર્ષનો પહેલો દિવસ જો સારો જાય તો આખું વર્ષ સારું જાય. એટલે જ નવા વર્ષના દિવસે ખાસ ભોજન પણ તૈયાર કરવામાં આવે છે. જેમાં શાક, પુરી, દાળભાત તો હોય છે. સાથે શુકન માટે લાપસી કે કંસાર પણ બનાવવામાં આવે છે. લોકો ઘરથી દૂર રહેતા હોય તો પણ દિવાળી સમયે તો પરિવાર સાથે જ રહે છે.
આ નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી હાર્દિક શુભ કામનાઓ..