આણંદના કલમસરમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ ડાયરામાં રૂપિયાનો વરસાદ વરસ્યો હતો. ધારાસભ્ય મયુર રાવલ પણ આ ડાયરામાં નજરે પડ્યા હતા.
ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રીએ પણ જાહેર મેળાવડામાં લોકોને ન જવા વિનંતી કરી છે. તેમ છતાં આ પ્રકારના લોક ડાયરાનું આયોજન કરાઇ રહ્યુ જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે. જે હાલ કોરોનાના સમયમાં ચિંતાનો વિષય છે.
ચરોતરમાં હજારોની મેદની વચ્ચે કરાયેલ કીર્તિદાનના ડાયરામાં મોટા ભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભાજપ ધારાસભ્ય મયૂર રાવલ પણ હાજર રહ્યા હતા અને કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કરી રહ્યા હતા.
આ દરમિયાન માસ્કને લઈ તેમણે હાકલ કરી હતી કે, મયુરભાઈ થોડુક માસ્ક કાઢી નાખજો તો વધુ મજા આવશે. અહિં 400થી વધુ લોકો છે જ નહિં તેથી કોઈ વિરોધ નહિં કરી શકે.
કલમસરમાં ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય પણ માસ્ક પહેર્યું ન હતું તેમજ બીજા મોટા લોકોએ માસ્ક પહેર્યુ ન હતું.