ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્રની મોદી સરકાર તરફથી સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જે હેઠળ સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે સરકાર તરફથી ખેડૂતોને વધુ એક ખુશખબર આપવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અંગે મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ કિસાન ઋણ પોર્ટલ(Kisan Rin Portal) અને ઘર ઘર કેસીસી (Kisan Credit Card) અભિયાનના શુભારંભ વખતે કહ્યું કે સરકાર કેસીસી લોન પર લગભગ 20,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
કેસીસી યોજના રીલોન્ચ
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટે કેસીસી યોજના રીલોન્ચ કરશે. એક રિપોર્ટ મુજબ મંત્રીએ એમ પણ કહ્યું કે પીએમ પાક વીમા યોજના હેઠળ 29,000 કરોડ રૂપિયાના પ્રીમિયમની સરખામણીમાં લગભગ 1.41 લાખ કરોડ રૂપિયા અપાયા છે. કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે અને શ્રી કૈલાશ ચૌધરી પણ હાજર હ્યા હતા.
ઘરે ઘરે જઈને ચાલશે કેસીસી અભિયાન
અત્રે જણાવવાનું કે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ સબસિડીવાળા લોનને મેળવવા માટે કિસાન ઋણ પોર્ટલ (Kisan Rin Portal) લોન્ચ કરવામાં આવ્યું છે. ઘરે ઘરે જઈને કેસીસી અભિયાન અને હવામાન સૂચના નેટવર્ક ડેટા સિસ્ટમ (WINDS) પોર્ટલનું પણ મેન્યુઅલ લોન્ચ કરાયું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યાં મુજબ કિસાન રિન ડિજિટલ પ્લેટફોર્મ કિસાન ડેટા, ઋણ વિતરણ વિશેષતાઓ, વ્યાજ છૂટના દાવા અને યોજના ઉપયોગની પ્રગતિની વ્યાપક વિગતો પ્રદાન કરે છે.
લગભગ 7.35 કરોડ કેસીસી ખાતા
એક નિવેદનમાં કહેવાયું છે કે 30 માર્ચ સુધીમાં લગભગ 7.35 કરોડ કેસીસી ખાતા છે. આ ખાતા પર હજુ પણ લોનની સ્વીકૃત સીમા 8.85 લાખ કરોડ રૂપિયા છે. આંકડા મુજબ સરકારે હાલના નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન વ્યાજદર છૂટ પર 6,573.50 કરોડ રૂપિયાની એગ્રીકલ્ચર લોન આપી છે. હવે કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા વધારવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાનના ડેટા દ્વારા એવા ખેડૂતો સુધી પહોંચશે જેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી.
સરકારની આ પહેલથી એવા ખેડૂતો સુધી પહોંચવામાં સરળતા રહેશે જેમની પાસે હજુ સુધી કિસાન ક્રેડિટ કાર્ડ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને છૂટના દરે લોનની સુવિધા મળે છે. સરકાર તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ માટે ફાળવવામાં આવેલી રકમમાં લગભગ અઢી ગણો વધારો કરવામાં આવી રહ્યો છે. તેનાથી આવનારા સમયમાં કિસાનોને સીધો ફાયદો થશે.