હિમાચલ પ્રદેશના શિમલામાં શિવ મંદિરના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યા બાદ અને ચંબા જિલ્લામાં વધુ બે લોકોના મોત બાદ રાજ્યમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 74 થઇ ગઈ છે. એકલા શિમલામાં જ ત્રણ સ્થળોએ સમર હિલ સ્થિત શિવ મંદિરની સાથે ફાગલી અને કૃષ્ણા નગરમાં ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત થયા છે. મંદિરના કાટમાળ નીચે હજુ પણ આઠ લોકો દટાયા હોવાની આશંકા છે. હવામાન અણધારી રહે છે. 24 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આ પહાડી પ્રદેશમાં બગડતી પરિસ્થિતિને કારણે 217 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ચારેય તરફ તબાહી અને બરબાદીના નિશાન
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ બાદ ભૂસ્ખલનની વધતી જતી ઘટનાઓએ હજારો મકાનો ધરાશાયી કર્યા છે. સર્વત્ર તબાહી અને વિનાશના નિશાન દેખાય છે. સદીની આ સૌથી મોટી દુર્ઘટનાના કહેરથી સ્થાનિક લોકો આઘાતમાં છે. શિમલાના ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યમાં લાગેલા મશીનોનો અવાજ સંભળાય છે, જેમાં અનેક લોકોના મોત બાદ ફેલાયેલી નીરવ શાંતિ છે. શિવ મંદિરમાં દુર્ઘટનાના 4 દિવસ બાદ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સેના બચાવ કાર્યમાં લાગેલી છે. આ સાથે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જેને જોઈને પરિવારના સભ્યોના આંસુ રોકાઈ રહ્યા નથી.
મોતના મુખમાંથી બહાર આવેલા વિદ્યાર્થીએ સંભળાવી આપવિતી
કાંગડામાં પણ અનેક લોકો પૂર અને વરસાદથી પ્રભાવિત થયા હતા. સેનાના હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવી લેવાયા છે. શિમલા, મંડી, કાંગડા દરેક જગ્યાએ ખરાબ હાલત છે. બિયાસ નદીનું પાણી વિનાશ સર્જી રહ્યું છે. ઝી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે. શિમલામાં બચાવ કામગીરીની સમીક્ષા કરતી વખતે, અમારી ટીમ પ્રદીપ નામના વિદ્યાર્થીને મળી જે શિવ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. મોતના મુખમાંથી બહાર આવેલા પ્રદીપને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તે સુરક્ષિત અને સ્વસ્થ છે. જોકે પ્રદીપ એટલો ડરી ગયો છે કે 14 ઓગસ્ટ પછી તે મંદિર ગયો નથી.
બજારમાં અનહોની ઘટનાના ભણકારા
મંડી જિલ્લામાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીંની ચાર માળની જલ શક્તિ વિભાગની ઇમારત જોખમમાં છે. તમામ 100 રૂમમાં મોટી તિરાડો દેખાઈ છે. ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જિલ્લામાં અત્યાર સુધીમાં 267 મકાનોને નુકસાન થયું છે, જ્યારે 31 કરોડથી વધુનું નુકસાન થયું છે. તે જ સમયે, આ વિસ્તારમાં 19 લોકોના મોત પણ થયા છે.
કુલ્લુમાં જનજીવન અસ્તવ્યસ્ત
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. કુલ્લુમાં રસ્તા તૂટવાને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થઈ ગયો હતો. કુલ્લુના ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સરકાર સાથે સંકલન કરી રહ્યા છે. અહીં વહીવટીતંત્ર વૈકલ્પિક માર્ગે તેલના ટેન્કરો મોકલી રહ્યું છે. પરંતુ હવે થોડા દિવસોમાં દરેકને માત્ર દસ લિટર પેટ્રોલ અને ડીઝલ મળશે.
ચંબામાં શું થયું?
ચંબા જિલ્લામાં પણ વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઘણું નુકસાન થયું છે. જ્યાં લોકોની જમીનો ધસી ગઈ છે. તો બીજી તરફ 25 થી વધુ મકાનો ધ્વસ્ત થઇ ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાણિયાએ જિલ્લાના અનેક ગામોની મુલાકાત લીધી હતી. કુલદીપ સિંહે ઘટનાસ્થળે જ અસરગ્રસ્ત પરિવારોને 60 હજારની રાહત રકમ પણ આપી હતી. હિમાચલ પ્રદેશમાં જે રીતે ભૂસ્ખલન થયું છે તેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે. વહીવટીતંત્ર આ રસ્તાઓ ખોલવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. રાજ્યમાં તબાહીથી થયેલા નુકસાનની ભરપાઈ કરવી સરળ નથી. સ્વાભાવિક છે કે હિમાચલ પ્રદેશને સંપૂર્ણ રીતે ઊભું થવામાં ઘણો સમય લાગશે.