જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વચનોમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ જે હાર્દિક પટેલ ભાજપના નામની માળા જવા લાગ્યો હતો તે હવે ફરીથી કોંગ્રેસ સાથે હાથ મિલાવી ચૂક્યો છે. સપ્તાહની શરૂઆતમાં જ હાર્દિક પટેલ ભાજપના બે મોઢે વખાણ કરવા લાગ્યો હતો જેના કારણે ચર્ચાઓ શરૂ થઈ હતી કે તે કોંગ્રેસનો સાથ છોડી રહ્યો છે. પરંતુ થોડા જ દિવસમાં હાર્દિક પટેલે યુ ટર્ન માર્યો છે. હવે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે કે તે કોંગ્રેસમાં જ છે અને પક્ષ પાસે કામ માંગે છે. પક્ષ તેને કામ આપશે તો તે 101 ની સ્પીડ થી કામ કરશે.
હાર્દિક પટેલની આ વાણી માં ફેરફાર થયો છે સાધુ સંતો અને કોંગ્રેસના આગેવાનો ના સૂચનથી. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે બધા જ આગેવાનો હાર્દિક પટેલ ની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમની વચ્ચે ખાસ્સી એવી ચર્ચા વિચારણા થઇ હતી. આ ચર્ચા બાદ હાર્દિક પટેલ ના સુર બદલાયા.
હાર્દિક પટેલને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામીએ કેટલીક સલાહ આપી હતી. ત્યાર પછી હાર્દિક પટેલે મીડિયા સમક્ષ આ ખુલાસો કર્યો હતો, મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, તે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે અને પક્ષ પાસેથી કામ માંગી રહ્યો છે. તેને કામ કરવા મળશે તો તે વધારે ઝડપથી કામ કરી શકશે. જોકે તેણે એવું પણ કહ્યું હતું કે પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત કે પછી વિચારોનો વિરોધ હોઈ શકે છે પરંતુ આ મામલે તે બેસીને વાતચીત કરી લેશે.
આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે નવતમ સ્વામીએ તેમની લાગણી વ્યક્ત કરી હતી અને મે અહીં ભગવાન રામ ની સ્થાપના કરી છે, મારી બીજી કોઈ વાત સાબિત કરવાની જરૂર નથી હું રઘુવંશી છું અને અમે પણ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.
છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ ના રાજકારણના પ્રવેશ અંગે ચાલતી ચર્ચા અંગે પણ હાર્દિક પટેલે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે નરેશ પટેલે રાજકારણમાં આવવું જ જોઈએ. તે પોતે કોંગ્રેસમાં છે તેથી અપેક્ષા રાખે છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જ આવે.
હાર્દિક પટેલે પ્રશાંત કિશોર અંગે પણ ટિપ્પણી કરી હતી. તેને કહ્યું હતું કે પ્રશાંત કિશોર સ્ટ્રેટેજી મેકર છે. જોઈએ એવું માનતા હોય કે ઘીના ઠામમાં ઘી પડ્યું તો સારી વાત છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા હાર્દિક પટેલના પિતા નું કોરોના માં નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ નિમિત્તે હાર્દિક પટેલે સામાજિક રીતે પુણ્યતિથિ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં લોકો અને પાર્ટીના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.