થોડાક દિવસો પહેલાં સુરત ખાતે ફેનિલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્માનુ ગળું કાપી નાખી હત્યા કરી હતી. ત્યાર બાદ રાધનપુરમાં મુસ્લિમ યુવકે એકતરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘૂસી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
તો હવે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય વિદ્યાર્થિનીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેમને લાશ મળી હતી. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી નાસી ગયા હતા.
વડોદરાના માણેજામાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી તૃષા સોલંકીની અજાણ્યા શખસોએ ક્રૂર હત્યા કરી હતી . ઘટનાસ્થળેથી લાશ સાથે મળેલા આધારકાર્ડમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું ખૂલ્યું છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તજવીજ શરૂ કરી હતી. યુવતીનાં માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય એવું જણાય રહ્યું છે.
આ ઉપરાંત હત્યારાઓએ યુવતીનો જમણો હાથ કાપીને અલગ ફેંકી દીધો હતો, જે પોલીસે શોધી કાઢ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. હાલ પોલીસે આ હત્યારાઓ અને કયા કારણસર હત્યા કરવામાં આવી છે એ પ્રશ્ન મોટો છે. યુવતી પોતાનું એક્ટિવા લઈ ટ્યૂશન જવા માટે નીકળી હતી. ત્યાર બાદ તેની લાશ મકરપુરા પોલીસ મથકની હદમાંથી મળી હતી . મકરપુરા પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
એકેડમીમાં કોચિંગ માટે જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી અને તે કોની સાથે હતિ તે તપાસનો વિષય છે.