કોરોના સમયગાળા બાદ ઘણા લાંબા સમયે ફરીથી પરીક્ષા યોજાય છે. ત્યારે હાલ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે. પરીક્ષા દરમિયાન તણાવને કારણે અવારનવાર વિદ્યાર્થીઓ બીમાર પડવાના સમાચાર આવી રહ્યા હોય છે પરંતુ નવસારીના એક યુવકને પરીક્ષા પહેલા હાર્ટ એટેક આવતાં તેનું મૃત્યુ થયું છે.
શહેરમાં દર્શન કોમ્પ્યુટર નામની પેઢી ચલાવતા મનોજ શાહના પુત્ર ઉત્સવ શાહ કે જેની ઉંમર 18 વર્ષ હતી તે ધોરણ 12 કોમર્સ અભ્યાસ કરી રહ્યો હતો. અને તેના આંકડા શાસ્ત્રના પેપર પહેલાં જ તેના પિતાને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારે પેપર પહેલાં જ એક વાગ્યે તેને છાતીમાં દુખાવો હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો હતો.
મૃત્યુ બાદ તેના પરિવારે આંખો દાન કરવાનું નક્કી કર્યું છે. અંતિમયાત્રામાં જૈન સમાજના મોટા લોકો , કલેક્ટર , ડીડીઓ સહિત ઘણા વ્યક્તિઓ જોડાયા હતા.
તો આ અગાઉ પણ ગઈ કાલે એક વ્યક્તિનું અમદાવાદમાં પરીક્ષા પહેલા મૃત્યુ થયું હતું. શું આ મૃત્યુ પાછળનું કારણ પરીક્ષાનું માનસિક તાણ છે કે બીજું કંઈ તે હજુ સ્પષ્ટ થયુ નથી.