સરકારે સુરક્ષાના કારણોસર કેટલીક વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું કે દેશની સુરક્ષા માટે ખતરો બની ગયેલી 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ પહેલા પણ ચીનમાં બનેલી કુલ 224 એપ્સ દેશમાં અત્યાર સુધીમાં પ્રતિબંધિત છે. જૂન, 2020 માં લદ્દાખ સરહદ પર ચીન સાથેની હિંસક અથડામણના થોડા દિવસો પછી, દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને જોખમમાં મૂકતી ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એવું માનવામાં આવે છે કે આ એપ્સ ભારતીય યુઝર્સના ડેટાને વિદેશમાં સ્થિત સર્વર પર ટ્રાન્સફર કરી રહી હતી. ગૂગલના પ્લે સ્ટોરને એપ્સને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રતિબંધિત 54 એપ્સની યાદીમાં Tencent, Alibaba અને ગેમિંગ ફર્મ NetEase જેવી મોટી ચીની કંપનીઓની એપ્સનો સમાવેશ થાય છે.
જે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા – સેલ્ફી કેમેરા, વિવા વિડીયો એડિટર, ટેન્સેન્ટ Xriver, Onmyoji Arena, AppLock અને Dual Space Lite સામેલ છે.
સૌથી પહેલા જૂન 2020માં કેન્દ્ર સરકારે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ સરકારે TikTok, UC Browser, Shareit, WeChat જેવી એપ પર પ્રતિબંધ લગાવી દીધો.
આ પછી, તે જ વર્ષે સપ્ટેમ્બરમાં 118 એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર 2020માં સરકારે 43 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારે આ એપ્સ દ્વારા એકત્રિત કરવામાં આવતા ડેટા અને તેના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આ અંગે આ એપ્સ ચલાવતી કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગી હતી.
પરંતુ રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે આ કંપનીઓ દ્વારા સરકારને આપવામાં આવેલા જવાબોથી સરકાર સંતુષ્ટ નથી, જેના પછી એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.