આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીં ભૂકંપ બાદ ઘણી ઇમારતો ધરાશાયી થઇ હતી, જેમાં 296 લોકોના મોત થયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 જણાવવામાં આવી રહી છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મારકેશ(Markesh) શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે મારકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રાબાતમાં પણ તેની અસર અનુભવાઈ હતી.
યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા અંગે પ્રાથમિક માહિતી રજૂ કરી હતી, જેના સંદર્ભમાં તેમણે આર્થિક નુકસાનને દર્શાવવા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં વધુ નુકસાન થવાની સંભાવના હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) મોરોક્કોમાં(Morocco) ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, ‘મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. આ દુઃખદ સમયે, મારી સંવેદનાઓ મોરોક્કોના લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.
મોરોક્કોમાં અગાઉ પણ આવી ચૂક્યો છે ભૂકંપ
યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપને કારણે થયેલા મૃત્યુ માટે યલો એલર્ટ જારી કર્યું છે, જે પ્રાથમિક ડેટા રજૂ કરે છે, જે દર્શાવે છે કે કેટલીક જાનહાનિ થવાની સંભાવના છે. USGSએ જણાવ્યું હતું કે, આ પ્રદેશની વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ હોય છે.
આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે. 2004 માં ઉત્તરપૂર્વ મોરોક્કોમાં અલ હોસીમામાં આવેલા મજબૂત ભૂકંપને કારણે ઓછામાં ઓછા 628 લોકો માર્યા ગયા હતા અને 926 ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 1980 દરમિયાન મોરોક્કોના પાડોશી દેશ અલ્જેરિયામાં આવેલા 7.3 તીવ્રતાના મજબૂત ભૂકંપને કારણે, 2,500 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 3 લાખ લોકો બેઘર થયા હતા. જે તાજેતરના ઈતિહાસના સૌથી મોટા અને સૌથી વિનાશક ધરતીકંપોમાંથી એક માનવામાં આવે છે.
ભૂકંપ કેવી રીતે આવે છે?
પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટની ટક્કરથી ભૂકંપના આંચકા અનુભવાય છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે હંમેશા ફરતી રહે છે. પરંતુ જ્યારે પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે, જેના કારણે પ્લેટોની સપાટીના ખૂણાઓ વળે છે અને ત્યાં દબાણ વધે છે. જેના કારણે પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી હલી જાય છે અને તેને આપણે ભૂકંપ કહીએ છીએ.