ગુજરાત સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ તેમની સૂચના મુજબ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન પડે એટલે સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP અનુસાર ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય ચાલુ કરાશે.
આમાં વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. વધતાં કોરોના કેસથી 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળાનું પ્રેસર હતું.
તેમણે વારંવાર સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે બાળકો ફરી શાળાએ આવવાનું શરૂ થતાં ધીમે ધીમે ફરી ભણવામાં રસ દાખવતા થયા હતાં અને ભણવાનું સારી રીતે શરૂ કર્યું હતું.
ત્યારે ફરી એક વખત શાળા બંધ થતાં વિદ્યાર્થીઓને નુકશાન થઇ રહ્યુ છે. આ સાથે ઓનલાઇન શિક્ષણમાં બાળકોનું ચીડિયા થવું, આંખમાં દેખાવાની સમસ્યા, મોબાઇલનું વળગણ વગેરે દૂષણનો ભય છે.