ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની ચૂંટણીની સંભાવનાઓને મજબૂત કરવા ગુજરાત પહોંચ્યા હતા. પંજાબમાં જોરદાર જીત બાદ ઉત્સાહિત આમ આદમી પાર્ટી એ પણ ગુજરાતમાં સક્રિયતા વધારી છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપને આકરો પડકાર આપનાર કોંગ્રેસ પણ ભાજપને પડકારવા માટે કમર કસી રહી છે.
ગુજરાતના રાજકારણમા ગરમાવો શરૂ થયો છે. કોંગ્રેસ મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામની જાહેરાત કરી શકે તો ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને નાયબ મુખ્યમંત્રીપદ ના ઉમેદવાર બનાવી શકાય છે. રાજનીતિના ચાણક્ય પ્રશાંત કિશોરની જ્ઞાતિની વોટ બેન્ક પર ચૂંટણી રમવાંની રણનીતિ છે.
નરેશ પટેલ લેઉવા પટેલ સમાજના તો કુંવરજી બાવળિયા કોળી સમાજના આગેવાન છે. સૂત્રોના અહેવાલ મુજબ, નરેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે એકાદ મહિના પહેલાં ગુપ્ત મીટિંગ યોજાઈ હતી. અહેવાલ એવા પણ છે કે રાહુલ ગાંધી આવતા મહિને ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમની હાજરીમાં નરેશ પટેલ જોડાય એવી વાત છે અને કુંવરજી બાવળિયા પણ ફરી કોંગ્રેસમાં જોડાઈ એવી શક્યતઓ છે.
ફેબ્રુઆરી-2022ના છેલ્લા અઠવાડિયામાં રાજકોટના મવડી પાસે ન્યૂ માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ ભવનમાં બપોરે 4 વાગ્યે નરેશ પટેલ અને કુંવરજી બાવળિયાની ગુપ્ત મીટિંગ યોજાઈ હતી અને એમાં નરેશભાઈએ કુંવરજીભાઈ સમક્ષ કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલી ઓફર તેમની સમક્ષ મૂકી હતી. નરેશ પટેલની કોંગ્રેસ સાથે ઘણા સમયથી વાટાઘાટો થઈ રહી છે. બીજી તરફ કોળી જ્ઞાતિની પણ ગુજરાતના રાજકારણમાં મોટી વોટ બેન્ક છે. એ કબજે કરવા કોંગ્રેસ પાર્ટી કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાનું નામ મોખરે છે, કારણ કે કુંવરજીભાઈ કોંગ્રેસના જૂના ખેલાડી છે.