ગાડીમાં CNG ગેસ ના હોય તો ભરાવી લેજો, ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા રાજ્યના 1,200 સીએનજી પંપ રેહશે બંધ.

ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા રાજ્યના 1,200 સીએનજી પંપ ખાતે ગુરૂવારે 2 કલાક માટે સીએનજી વેચાણ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આની સાથે જ રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે.

ગુરૂવારે એટલે કે 17 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરના 01:00થી બપોરના 03:00 વાગ્યા સુધી રાજ્યના તમામ સીએનજી પંપ બંધ રહેશે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા છેલ્લા 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે આ પ્રકારે ચીમકી આપવામાં આવી છે.

સીએનજી ડીલર્સના કહેવા મુજબ વર્ષ 2019માં સીએનજી ગેસ માટે ડીલર માર્જિન વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ વાતને 30 મહિના પસાર થઈ ગયા હોવા છતાં પણ ડીલર માર્જિનમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી.

માટે નાછૂટકે આ અભિયાન શરૂ કરવું પડ્યું છે. આ મામલે ઓઈલ કંપનીઓને અનેક રજૂઆત કરવામાં આવી હતી. જેની કોઈ નોંધ ન લેવાતા અવગણના કરાઈ હતી.

આ કારણે ત્રણેય કંપની સામે ડિલર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, ને ગ્રાહકોને થતી સમસ્યાની જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.

સીએનજી ડીલર્સને હાલ 1.70 રૂપિયા માર્જિન મળે છે. જેને વધારીને 2.50 રૂપિયા કરાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Leave a Comment