કેનેડા-યુએસ બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં કલોલ તાલુકાના હિંગુચા ગામમાં રહેતા પટેલ પરિવારના ચાર સભ્યનું મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં ચારેય જણની ઓળખ થઈ ગઈ છે. તેમજ તેમના મૃતદેહો કેનેડાથી વતન પરત લાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
આ ઘટનામા ચારેય લોકોના પરિવારે ભારતની એમ્બેસીમાં ઇમેલ કર્યો છે. કેનેડા પોલીસે ચાર મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો હતો. હવે ચારેય મૃતકોના મૃતદેહોને ભારતમાં લાવવા કે કેનેડામાં જ તેમની અંતિમવિધિ પૂર્ણ કરવી એ નક્કી કરાશે.
કેનેડાથી અમેરિકાની બોર્ડર પર એક એજન્ટ 11 લોકો સાથે ગયો હતો. સતત 11 કિમી સુધી ચાલી માઈનસ 35 ડીગ્રીમાં આ લોકો બોર્ડર ક્રોસ કરવા માગતા હતા.
}
પરંતુ બરફને કારણે એજન્ટ સહિત સાત લોકોએ બોર્ડર તો ક્રોસ કરી નાખી હતી, જ્યારે અન્ય ચારેય મૃતકો પાછળ રહી જતાં રસ્તો ભટકી ગયા હોવાથી મોડા થયા હતા.
રસ્તો શોધવામાં આ લોકો બરફમાં ફસાઈ ગયા અને ત્યાં જ ઠંડીમાં થીજવાને કારણે મોત નીપજ્યાં હતાં. બોર્ડર ક્રોસ કરી ગયેલા સાતેય લોકોને અમેરિકન પોલીસે પકડી લીધા હતા, જ્યારે એજન્ટની પણ ધરપકડ કરી લેવાઈ હતી.