સુરતના ભાજપના કાર્યાલય ખાતે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે હાથાપાઈ સર્જાય, પોલીસ દ્વારા રોકવામાં આવ્યા તેમ છતાં વિરોધ પ્રદર્શન…. 

સુરતના ભાજપના કાર્યાલય ખાતે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ગઈકાલે સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે પોલીસ અને માર્શલોએ અણછાજતું વર્તન કર્યું હતું. કાર્યકર્તાઓને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને એક કોર્પોરેટર નું ગળુ દબાવવાનો પ્રયત્ન કરાયો હતો સાથે જ મહિલા કોર્પોરેટરના કપડાં પાડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ કાર્યાલય વિરોધ કરવા ગયા હતા.

ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતા. જોકે તેમ છતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યથાવત્ રાખતાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા ને માર મારવામાં આવ્યો હતો સાથે જ ગોપાલ ઇટાલીયા સાથે પણ ટપલીદાવ કરાયો હતો.

એટલું ઓછું હોય તેમ વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. કાર્યકરોને માર મારતી વખતે ભાજપના કાર્યકરો ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદ એવા નારા લગાવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઈકાલની ઘટના બાદ સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કરવા આવવાના છે તેવી સૂચના બાદ ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જોકે પોલીસ કાફલાની સાથે ભાજપના કાર્યાલય કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા. જોકે આ તકે આમ આદમી પાર્ટીના કાર્યકરો જે સમય આપ્યો હતો તેના એક કલાક પછી રેલી લઈને આવ્યા હતા. કાર્યકરો કાર્યાલય પહોંચ્યા કે સાથે જ તેમને પોલીસની વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક કાર્યકરો ઉપર પોલીસની પકડમાંથી છૂટી ને ભાજપ કાર્યાલય ખાતે જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન ભાજપના કાર્યકરો તેમના ઉપર તૂટી પડ્યા હતા.

જોતજોતામાં જ આ વિરોધ પ્રદર્શનમાં ઢીકાપાટુનો માર ના દ્રશ્યો સર્જાયા. પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડીને વેનમાં બેસાડે તે પહેલા જ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા પર ભાજપના કાર્યકરો તૂટી પડ્યા અને તેમના કપડાં ફાડી નાખ્યાં. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ને પણ ભાજપના કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા.

આ ઘટના નો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો છે. પોલીસની હાજરી હોવા છતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવતા આ વિવાદ વકર્યો છે.

Leave a Comment