ગઈકાલે સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી કચ્છી ગાયકની વીડિયો ક્લીપ બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના અંગે અંતે પીડિત કલાકાર દ્વારા લેભાગુ તત્વો સામે પૈસા પડાવી લેવા અને બ્લેકમેલ કરવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન મથકે નોંધાવી છે. જેમાં ભુજની એક મહિલા સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.
ગાયક કલાકારને ગયા મહિનાની તા. 20ના રોજ ભુજના અંજલિ નગર -2માં રહેતી નઝમાં જુશબ લંઘાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશા વાળી ચા આપી દીધી હતી.
જે બાદ ફરિયાદી ભાનમાં આવતા આરોપી ઓસમાણ ગની મિયાણા અને તેની સાથેનો અન્ય એક વ્યક્તિ તેની સામે આવી ગયા હતા અને પોલીસમાંથી આવીએ છીએ તેમ જણાવી રૂ. 12 હજાર લઈ લીધા હતા.
પીલીસના નામે વધુ પૈસાની માગ કરી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.
આ ગેંગે આ પ્રકારે ફસાવી પોલીસની બીક બતાવી રૂ. 25 લાખની માંગણી કરી હતી. મેં કહ્યું હતું કે, મારી પાસે 25 પૈસા પણ નથી તેમ છતાં વારંવાર ધમકીઓ ચાલુ રાખી હતી. ત્યારબાદ ખોટી રીતે રેકોર્ડ કરેલો વીડિયો વાઇરલ કરી દીધો હતો.
તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ બહુ મોટી ગેંગ છે જે આ રીતે લોકોને ફસાવે છે. તેથી મેં મારી આબરૂની ફીકર કર્યા વગર અન્ય લોકોના બચાવ માટે આગળ આવી ફરિયાદ લખાવી કાર્યવાહીની માંગ કરી છે.