ઉત્તરાયણના દિવસે હજુ પણ વધારે પડી શકે છે ઠંડી, પતંગ રસિયાઓ ની બગડી શકે છે મજા, હવામાન વિભાગ ની આગાહી..

છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આવનારા બે દિવસમાં ઠંડીમાં હજી વધારો થવાની આગાહી કરી છે. સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પતંગ રસિયાઓ ની મજામાં ભંગ પડી શકે છે. આ વખતે ઉત્તરાયણના દિવસે પવનના સૂસવાટા ની આગાહી કરવામાં આવી છે.

મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડિગ્રી જેટલો નોંધાયો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં નલિયામાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું.

પવનની સાથે કડકડતી ઠંડી- હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અને આવતી કાલે ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર માં ખૂબ ઠંડી રહેશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. ઘણા જિલ્લાઓમાં તો લઘુતમ તાપમાન 8 ડીગ્રી સુધી રહેવાની શક્યતા છે. એ સિવાય ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 30 થી 33 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

18 થી 20 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવનારા 18 થી 20 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 18, 19 ને 20 જાન્યુઆરીએ રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેના કારણે રવિપાકને મોટું નુકસાન થવાનો ડર પણ રહેલો છે.

હાડ થીજવતી ઠંડીથી લોકો થથર્યા- ઉત્તર ગુજરાતમાં હવામાનમાં આવેલા ફેરફાર પછી હાડ થીજવી દે તેવી ઠંડી જોવા મળી રહી છે. મંગળવારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા 7, અરવલ્લીમાં 9 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. ગયા સપ્તાહમાં 5 થી 7  ડિગ્રી તાપમાન નોંધાતા ખૂબ જ ઠંડી પડી રહી છે. આજથી લઘુત્તમ તાપમાનના પારામાં એક ડિગ્રીના વધારો થશે. જેથી સામાન્ય રાહત મળશે. પરંતુ ઉત્તરાયણ સુધી એમાં મોટા ભાગે કોઈ ફેરફાર જોવા મળશે નહીં.

રાજ્યમાં ઠંડીનો પારો- નલિયા 5.8, કેશોદ 7.8, ગાંધીનગર 8.3, વડોદરા 9, વ. વિદ્યાનગર 9.1, રાજકોટ 9.2, કંડલા એરપોર્ટ 9.7, સુરેન્દ્રનગર 9.7, ડીસા 9.9, ભુજ 10.

Leave a Comment