યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે પણ તણાવ વધી ગયો છે. આજે સવારે અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનમાં ફસાયેલા રશિયાએ હવે હથિયારો અને અન્ય વસ્તુઓ માટે ચીન પાસે મદદ માંગી છે. આ સિવાય અમેરિકાએ હવે ચીનને ધમકી આપતા કહ્યું છે કે જો તે રશિયાની મદદ માટે આગળ આવશે તો તેને પણ તેનું પરિણામ ભોગવવું પડશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે જો ચીન મોસ્કોની મદદ માટે આગળ આવે છે તો અલબત્ત તેણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
અમેરિકી અધિકારીએ કહ્યું કે રશિયા યુક્રેનમાં ફસાયેલ છે. તેની પાસે હથિયારો ખતમ થઈ ગયા છે અને હવે તેણે ચીન પાસે મદદ માંગી છે. સુલિવાને કહ્યું, “અમે બીજિંગને સીધું કહી રહ્યા છીએ કે જો રશિયાને તેમની તરફથી મદદ આપવામાં આવે છે, તો તેના પર પણ મોટા પાયે પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે.”
સુલિવને કડક સ્વરમાં કહ્યું કે અમે તેને આગળ વધવા નહીં દઈએ. અમે ચીનને રશિયાની લાઈફલાઈન નહીં બનવા દઈએ. રશિયા આર્થિક પ્રતિબંધો હેઠળ છે અને મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં જો ચીન તેમના માટે લાઈફલાઈન બની જશે તો તેને પણ સહન કરવું પડશે.
આ દરમિયાન રશિયાએ પણ યુક્રેનની રાજધાની કિવ પર હુમલા તેજ કર્યા છે. સોમવારે રશિયાએ કિવમાં એરક્રાફ્ટ ફેક્ટરી પર હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. આ સિવાય 7 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, રશિયા તરફી પ્રદેશ ડોનેત્સ્કના લોકોએ દાવો કર્યો છે કે યુક્રેનએ ત્યાં હુમલો કર્યો છે. તેમનો દાવો છે કે આ હુમલામાં 20 લોકોના મોત થયા છે. ગયા મહિનાના અંતમાં, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ડોનેત્સ્કને સ્વતંત્ર પ્રદેશ જાહેર કર્યો. આ સિવાય લુહાન્સ્કને પણ સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ બંને પ્રદેશોમાં મોટા પ્રમાણમાં રશિયન તરફી વસ્તી છે.